ગુજરાતી પ્રજા નથી, ગુજરાતી પ્રજાવિશેષ છે. રવીન્દ્રનાથ ટાગોર પાસેથી શબ્દ લઈને સાહિત્યકાર અને ઇતિહાસકાર ચન્દ્રકાન્ત બક્ષીએ ગુજરાતીઓને ‘મહાજાતિ’ ગણાવીને એ નામનું અભ્યાસી પુસ્તક પણ લખ્યું હતું. ગુજરાતીઓને માત્ર ‘મહાજાતિ’ તરીકે ઓળખવા એ તેમની અધૂરી ઓળખ છે. ગુજરાતીઓ તો વિશ્વજાતિ છે. સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પ્રસરેલી વિશ્વજાતિ એટલે ગુજરાતી પ્રજા. જ્યાં જ્યાં માનવ વસાહતની શક્યતા છે ત્યાં ત્યાં ગુજરાતીઓ હોવાના ! જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એવું કવિ ખબરદારે કહ્યું છે, પણ “જ્યાં જ્યાં પ્રજા નિવાસી, ત્યાં ત્યાં ચોક્કસ વસે ગુજરાતી” તેમ કહીએ તો ખોટું નથી.
ગુજરાતીઓનો વિશ્વ નિવાસ એક કરતાં ઘણાં કારણોને આભારી છે. કેટલાક ગુણ, કેટલીક વિશેષતાઓ, કેટલીક લાક્ષણિકતાઓને કારણે ગુજરાતીઓ અલક અને મલકમાં સિદ્ધ અને પ્રસિદ્ધ થયા છે.
ગુજરાતીઓ પાણીદાર છે, કારણ કે તેઓ પાણી જેવા છે. સ્થિતિસ્થાપકતા, લચકીલાપણું એ ગુજરાતીઓની પ્રકૃતિ છે. પાણીને ગ્લાસમાં ભરો તો તેનો આકાર ગ્લાસ જેવો, માટલામાં ભરો તો માટલા જેવો અને ખોબામાં લો તો ખોબા જેવો થઈ જાય. ગુજરાતીઓ ઘણી બધી રીતે પાણી જેવા છે. પાણી અનિવાર્ય છે તેમ અનેક સ્થળે અને સમયે ગુજરાતીઓ અનિવાર્ય બની જાય. ‘જેવો દેશ તેવો વેશ’ એ સૂત્રને જીવીને દરેક દેશમાં પોતાની જાતને સ્થાપિત કરનારા ગુજરાતીઓ મંગળ ગ્રહ ઉપર હોય તો પણ નવાઈ નહીં ! ગુજરાતીઓ ગુજરાતી રહીને પણ બદલાઈ શકે છે !
વિશ્વમાં સમય-સંજાગો અને સ્થળને અનુરૂપ થવામાં કઈ પ્રજા સૌથી આગળ છે? એવું કોઈ સર્વેક્ષણ કરવામાં આવે તો ગુજરાતીઓ મેદાન મારી જાય. ગુજરાતીઓ સમય બદલે છે, કારણ કે તેઓ સમય પ્રમાણે જ નહીં, ઘણી વખત તો સમય પહેલાં જ બદલાઈ જાય છે. ખાવું, ફરવું, હરવું-ફરવું-મળવું આ બધાની જેમ જ ગુજરાતીઓની એક મહત્ત્વની ઓળખ છે.. બદલાવું. ગુજરાતી પોતે તો બદલાય જ, સમય આવે સામેવાળાને પણ બદલી નાખે. ગુજરાતીઓ જાણે છે કે બદલો લેવા કરતાં બદલી નાખવાનું સરળ અને સસ્તુ હોય છે.
ગુજરાતીનું દિલ દરિયા જેવું અને જીવન નદી જેવું છે. વિશાળતા રાખો અને વહેતા રહો.
ગુજરાતીઓ વિશ્વમાનવી છે. કવિવર ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે, ગુજરાતીએ ‘કેવળ ભારતીય’ નથી બનવાનું, તેણે તો ‘વિશ્વમાનવી’ બનવાનું છે. ગ્લોબલ ગુજરાતી એ આજની જ નહીં, કાયમની ગુજરાતી ઓળખ છે. ગુજરાતી પ્રજા આખા વિશ્વમાં વસે છે અને આખું વિશ્વ તેનામાં વસે છે. આ રીતે ગુજરાતી હાર્ડવેરની રીતે નહીં, સોફ્ટવેરની રીતે પણ ‘વિશ્વમાનવી’ છે.
ગુજરાતીની પ્રકૃતિમાં સંકુચિતતા ઓછી અને વિશાળતા વધુ છે. ગુજરાતીઓને આ વિશાળતા દરિયાએ આપી છે. ગુજરાતીની દોલત દરિયાની બદોલત છે. ગુજરાતને ૧૬૦૯ કિમિ લાંબો દરિયાકિનારો મળ્યો છે. દરિયાએ ગુજરાતીઓના ઘડતરમાં, તેમને વૈશ્વિક બનાવવામાં મોટું પ્રદાન આપ્યું છે. ગુજરાતીઓની આંગળી પકડીને ‘દરિયાલાલ’ તેમને વિશ્વના એક-એક દેશમાં લઈ ગયા છે. જો દરિયો ના હોત તો ગુજરાતીઓ કેવી રીતે ગામતરાં કરી શક્યા હોત ? માંડવી કે પોરબંદર, ઓખા કે દ્વારકાનો ગુજરાતી કિશોર ૧૫-૧૬ વર્ષની વયે જ્યારે સઢવાળી હોડીમાં બેસીને આફ્રિકા જવા નીકળ્યો હશે ત્યારે દરિયાએ પોતાનાં ઉછળતાં મોજાં વડે તેના ભાલ પર જે તિલક કર્યું હશે એ તિલક વિશ્વતિલક બન્યું, જે આજે પણ ગ્લોબલ ગુજરાતીના ભાલ પર ચમકી રહ્યું છે. આ તિલક વિના ગુજરાતના વિકાસનો ઇતિહાસ અધૂરો છે. ગુજરાતીઓના દરિયાએ ગુજરાતીઓને નાનપણમાં ‘વિશાળતા’ની દીક્ષા આપેલી છે.
ગુજરાતીઓ ભલે મેંદાના કોઈ પણ અઘરા ગણાતા વ્યંજનને પચાવી લે, પણ સંકુચિતતા તેને ક્યારેય ના પચે. ક્યારેક કાળના લાંબા પટ્ટાની એકાદ ભાત તમને સંકુચિતતાના રંગોથી ભરાયેલી લાગે, બાકી ગુજરાત પર જે ચંદરવો છે, એ તો આકાશનો જ છે, વિશાળ અને અનંત…
બદલાવું. ઝડપથી બદલાવું. પરિવર્તન આવે એ પહેલાં જ પોતાનું વર્તન બદલી નાખવું એ ગુજરાતીઓની તાસીર છે. તવારીખ તપાસો તમને પાને પાને આ તાસીર દેખાશે. ગુજરાતીઓને એક છેડા પરથી બીજા છેડા પર જતાં વાર લાગતી નથી. (પાટલી બદલવાની આ વાત નથી, સમય પ્રમાણે જાતને બદલવાની વાત છે…) થોડાંક ઉદાહરણ જોઈએઃ
એક જમાનામાં ગુજરાતીઓને શાકાહાર વિના ચાલતું નહોતું, તેમને ‘શુદ્ધ શાકાહારી’ જ જોઈતું હતું. જ્યાં ‘વેજ’ મળતું હોય તેવી હોટલમાં જતાં પહેલાં ગુજરાતી આજુબાજુ તપાસ કરી લે કે આજુબાજુમાં ‘પ્યાર વૅજ’ મળે છે ? જો પ્યોર વેજ મળતું હોય તો તેઓ તેને પહેલો પ્રૅફરન્સ આપે. ગઈ કાલ સુધી તો એવી સ્થિતિ હતી કે જ્યાં વૅજ-નાનવૅજ ભેગું મળતું હોય એ હોટલ કે રૅસ્ટોરન્ટ સામું જોઈને ગુજરાતીઓ ભાગી જતા. આ હદે ગુજરાતીઓને નોનવેજની સૂગ હતી. આજે ? આજે ગુજરાતના ખૂણે ખૂણે નાનવૅજ મળે છે. (હા ભાઈ હા, ગુજરાતીઓ છૂટથી નોનવેજ ખાય છે એટલે તો તે મળે છે !)
ગુજરાતીઓ આજે પણ દાળ-ભાત ખાય છે, ઢોકળાં-ખમણ કે થેપલાં વિના તેમને ના ચાલે. ‘ગુજરાતી થાળી’ વાંચીને ય તેમને ભૂખ લાગી જાય, સાથે સાથે આખા વિશ્વની વાનગીઓનો પણ તે ટેસ્ટ કરી લે. ગુજરાતમાં આખા વિશ્વનાં વ્યંજનો મળે છે. પંજાબી જેટલું પંજાબમાં નહીં ખવાતું હોય તેટલું ગુજરાતમાં ખવાતું હશે ! સાઉથ ઈન્ડિયનવાળા ઢોંસાને ભૂલી જશે તો ગુજરાતીઓ તેમને ઢોંસો ભેટ મોકલશે. ઈટાલિયન, થાઈ, મૅક્સિકન, કે દુનિયાની કોઈ પણ વાનગી.. ગુજરાતીઓ માત્ર ‘પૈસા ખાય છે’ એવું નથી… તેઓ (ઈર્ષાથી પોતાને મરાતા) પથરા પણ ખાય છે અને ખાઈ શકાય તેવું બધું જ ખાય છે. બકરું તો કાંકરો ય મૂકે, ગુજરાતીઓ કાંકરાની ગ્રેવીનું શાક મળે તો ટેસ્ટ કરી લે તેવા છે. ગુજરાતીઓ નવરા બેઠા આળસ ખાય, બગાસાં ખાય, કોઈના પર દયા ખાય.. ટૂંકમાં સતત ખાવું એ ગુજરાતીની ગમતી પ્રવૃતિ છે. સરેરાશ ગુજરાતીની ઓળખ ‘ફાંદ’ એમને એમ નથી કહેવાતી કાંઈ.
ગુજરાતીઓનું મન વિશાળ છે, તેનું અન્ય એક કારણ એ પણ છે કે તે બારી ખુલ્લી રાખીને બેસનારી પ્રજા છે. વિશ્વભરના વાયરાઓનો અનેક અનુભવ ગુજરાતીઓ એક જ ભવમાં કરી લે છે. ખુલ્લી બારી અને છટકબારી એ ગુજરાતીઓની પ્રકૃતિની વિશેષતા છે. બારીની શોધ કોઈ સજ્જન સુથારે(મિસ્ત્રી)એ કરી હશે, પણ ‘છટકબારી’ની શોધ તો કોઈ ગુજરાતીએ જ કરી હશે ! ભીંત બને તે પહેલાં છટકબારી ફિટ કરી દે તે સાચો ગુજરાતી. ગુજરાતીને છટકવું મંજૂર છે, અટકવું નહીં.
ગુજરાતના વિકાસમાં માળખાકીય સવલતોનું મોટું પ્રદાન છે અને તેમાં ગુણવત્તાવાળા ધોરીમાર્ગનો સિંહફાળો છે. ગુજરાત રાજ્યના રસ્તાઓ વખણાય છે. એવા જ ના દેખાતા, અદૃશ્ય રસ્તાઓ બનાવવામાં ગુજરાતીઓ પાવરધા છે ! એ રસ્તા એટલે ‘‘ચિંતા ના કરો, કોઈક રસ્તો કાઢી લઈશું’’ એ રસ્તા. ગુજરાતી રસ્તો કાઢનારી પ્રજા છે. કોઈ પણ ભોગે સાધ્ય સુધી પહોંચવા માટે જરૂરી બનતા ‘રસ્તા’ કાઢવામાં ગુજરાતીઓની તોલે કોઈ ના આવે ! ખૂબ જ સાચવીને, સુલેહ અને કુનેહપૂર્વક કઢાતા ‘રસ્તા’. આ રસ્તા વચલા પણ હોય અને પહેલા પણ હોય. એ રસ્તા ‘કેડી’ પણ હોય અને ‘ધોરી માર્ગ’ પણ હોય. રસ્તા કાઢવાનો આ ગુણ ગુજરાતીઓને શ્રીકૃષ્ણ પાસેથી મળ્યો હશે?
ગુજરાતીઓ પૂજે રામને પણ અનુસરે કૃષ્ણને. કૃષ્ણનો સ્વભાવ હતો સાધ્ય મળવું જોઈએ. પ્રેમ, ભાવ, છળ, કપટ, કુનેહ, સુલેહ… જ્યારે જેની જરૂર પડે ત્યારે તેનો યોગ-પ્રયોગ-ઉપયોગ કરીને કામ કરી લેવાનું. ગુજરાતી કવિઓએ કાવ્યોમાં કૃષ્ણને લાવીને કારર્કિદી બનાવી તો સરેરાશ ગુજરાતીઓએ તેમની ફિલસૂફી અમલમાં મૂકીને જીવન બનાવ્યું. ભાજપને રામ ફળ્યા, ગુજરાતીઓને કૃષ્ણ.
ભલે બધા ગુજરાતીઓ હજી લાઈનસર નથી થયા, પણ મોટાભાગના આૅનલાઈન થઈ ગયા છે. ટેલિવિઝનમાં ચૅન-લિયા યુગ શરૂ થયો ત્યારે દેશનાં સૌથી વધુ કૅબલ કનેક્શન (૨૦થી પણ વધુ ટકા) ગુજરાતમાં હતાં. જુઓ, જુઓ, ટેલિવિઝન જુઓ, જીવ્યા કરતાં જોયું ભલું. એ પછી મોબાઈલ ફોન આવ્યા તો ગુજરાતીઓ હડુડુડુ કરતા દોડ્યા મોબાઈલ ફોનની શોપ્સમાં. લાવો મોબાઈલ ફોન, લાવો મોબાઈલ ફોન… ભારતમાં સૌથી વધુ મોબાઈલધારકો ગુજરાતીઓ છે. પછી એ વાત સાવ જ જુદી છે કે ગુજરાતીઓ મોબાઈલ પર વાત કરે છે એ ભાષા કઈ અને કેવી છે !
આજે ગુજરાતીઓની પોતાની કહી શકાય તેવી એક પણ ભાષા નથી. ગુજરાતીઓ જે ગુજરાતી ભાષા બોલે છે એ ગુજરાતી ભાષા નથી. એક વાક્યમાં બે-ત્રણ ગુજરાતી શબ્દોની સામે પાંચ-સાત અંગ્રેજી શબ્દો હોય તેને ગુજરાતી ભાષા કેવી રીતે કહી શકાય? ગુજરાતીઓનું ગુજરાતી ‘દિવ્યાંગ’ થઈ ગયું છે. પહેલાં ગુજરાતીઓનું બાવા હિન્દી સાંભળીને હસવું આવતું હવે ગુજરાતીઓનું ‘ગુજલીસ’ ગુજરાતી સાંભળીને આત્મહત્યા કરવા ક્યાં જવું એવો વિચાર આવે છે. અને ગુજરાતીઓનું અંગ્રેજી ? ડોન્ટ આસ્ક ટોક (વાત જ ના પૂછો.) ‘આૅક્સફર્ડ’વાળાએ અનેક આકાર અને પ્રકારની અંગ્રેજી ડિક્ષનેરીઓ બહાર પાડી છે, પણ ખાસ ગુજરાતીઓના અંગ્રેજીનો શબ્દકોશ હજી સુધી કેમ બહાર નથી પાડ્યો તે સંશોધનનો વિષય છે. ખેર, ગુજરાતીઓ માને છે કે ભાષા બિલકુલ મહત્ત્વની નથી, મેસેજ કન્વે થાય એટલે પત્યું. ભાષાને શું વળગે ભૂર, વેપારમાં રળ્યો તે શૂર.
પરિવર્તનનો ઉમળકાથી સ્વીકાર એ ગુજરાતીઓનું સ્થાયી વર્તન છે. એ બીજા ધર્મ કે પ્રજાના તહેવાર, તેઓ ના ઉજવતા હોય તેટલા આનંદથી ઊજવી શકે અને વર્ષો જૂના પોતાના તહેવારો-પર્વો-ઉત્સવોને એટલા ‘સુધારી’ નાખે કે તેનું મૂળ અને કૂળ શોધવા ગુજરાત બહાર જવું પડે ! હિન્દી ફિલ્મોની ૨૦૦-૩૦૦ કરોડના વકરામાં મોટો હિસ્સો ગુજરાતી પ્રેક્ષકોનો હોય છે અને કોઈ સારી ગુજરાતી ફિલ્મ બનાવે તો તેના પર પણ, જીવદયામાં ફાળો નોંધાવતા હોય તે રીતે કૃપાદૃષ્ટિ કરવાનું ના ભૂલે.
અને હા, આ ગુજરાતીઓને ઓળખવા અઘરા. એક બાજુ આખા વિશ્વને ચિંતામાં મૂકી દે તેટલું કમાય અને બીજી બાજુ અનામત પણ માગે. અનામત આંદોલનની સભામાં હાજરી આપવા એક કરોડની ગાડી લઈને ગુજરાતી આવી શકે. આને જીગર કહેવી કે શરમ ગણવી એ સાપેક્ષ વિષય છે.
ગુજરાતીઓ મહાત્મા ગાંધીને જન્મ આપી શકે, વિશ્વને સરદાર પટેલની ભેટ આપી શકે, તો સાથે સાથે મહંમદઅલી ઝીણા પણ પેદા કરી શકે. આ ભૂમિ એવી છે કે જે અખંડ ભારતને સંગઠિત કરનાર જન્માવી શકે અને ભારતમાંથી પાકિસ્તાનને છુટું પાડનાર પણ પેદા કરી શકે. જેટલી વિશેષતા એટલી જ વિરોધિતા.
ગુજરાતીઓ ક્યારે શું કરશે તે તમે નક્કી ના કરી શકો. ગુજરાતી થાળી જમતી વખતે છાશની સાથે પેપ્સી પણ પી શકે અને અંગ્રેજી ફિલ્મની ટિકિટ લઈને એ. સી. થિયેટરમાં ત્રણ કલાકની ઊંઘ પણ ખેંચી શકે. એ શાકભાજીની લારી પર જઈને અડધો કલાકની કચકચ કરીને ભાવ ઓછા કરાવી શકે અને વર્લ્ડ ક્લાસ મોલમાં જઈને અડધો કલાકમાં લાખોની ખરીદી પણ કરી શકે… ગુજરાતી શૅરબજારના શૅરમાં આખું જીવન હોમી શકે અને જરૂર પડે તો કવિતાના ‘શૅર’માં જીવનનો અર્થ પણ શોધી લે… ગુજરાતી નાનવૅજ ખાતાં ખાતાં જૈન ધર્મનો મહિમા વર્ણવી શકે અને આઈટમ સોંગ જોતાં જોતાં મહાન સંસ્કૃતિના જતનનો સંકલ્પ કરી શકે. ગુજરાતી બેસણાની જાહેરખબર કલર ફોટા સાથે આપી શકે, ટ્રાફિક પોલીસને ખુલ્લેઆમ એકસોની નોટ પકડાવી શકે અને ચટણી ખાવા માટે ગાંઠિયાનો ઓર્ડર આપી શકે.
કરોડપતિ ગુજરાતી પણ વોટ્સઅપ ચાલુ ના હોય તો મૅસેજ કરવાનું ટાળે. જો મિસ કાલથી મૅસેજ કન્વે થતો હોય તો કોલ કરવામાં ના પડે. ‘મિસ કોલ’ની અનુપમ શોધ ગુજરાતીઓએ કરી છે. ગુજરાતમાં મિસ કોલ દ્વારા જેટલું કોમ્યુનિકેશન થતું હશે તેટલું તો કોઈ નાના દેશમાં ફોન કરીને પણ નહિ થતું હોય. કોઈ મફતમાં આપે તો ગુજરાતી ગાળો પણ ખાઈ લે. આખા ભારતમાં સૌથી વધુ આઈસ્ક્રીમ ખાવાનો વિક્રમ કરી શકે અને મિનરલ વોટરમાંથી બનાવેલો પાંચ હજાર રૂપિયાનો ગોળો ખાઈ લીધા પછી તેના ઉપર માવો (મસાલો-તમાકુનો) દબાવી શકે. માવો એ ગુજરાતનો રાષ્ટ્રીય ખોરાક છે અને છકડો એ રાષ્ટ્રીય વાહન. ગુજરાતીઓ રામદેવ મહારાજને માન આપે પણ યોગના કરે, હા, જેનો ઉપયોગ કરી શકાતો હોય તેવી એક પણ વ્યક્તિને તેઓ છોડે નહીં.
ગુજરાતી વેપાર કરવા માટે માણસખાઉં પ્રદેશમાં જવાનું સાહસ કરે પણ લશ્કરમાં જોડાતી વખતે તેની છાતીનાં પાટિયાં બેસી જાય. ગુજરાતીની ઘણી હરકતો જાઈને તમને શંકા પડે કે ભગવાન તેને છાતી આપવાનું ભૂલી ગયા છે કે શું ? ગુજરાતીઓ દુકાન કે આૅફિસ કે શો-રૂમ કે ફૅક્ટરી કે દફતર કે ક્લિનિક કે હોસ્પિટલ કે હાટડીમાં એટલું બધું ખોટું કરી લે છે કે પછી તરત જ તે ધર્મનું શરણું લઈ લે છે. પાંચ કરોડનું ખોટું કર્યા પછી એક કથા સાંભળી લેવાથી ‘કરેલું ખોટું’ સરભર થઈ જાય છે તેવો સિદ્ધાંત તેણે સ્થાપિત કર્યો છે! ખોટા રસ્તે ભેગી કરેલી લક્ષ્મીની નારાજગી દૂર કરવા એ માત્ર વિષ્ણુ પાસે જ નહીં, વિશ્વના તમામ દેવ-દેવીઓ પાસે દોડી જાય છે.
અમારા મિત્ર ત્રિકમભાઈ (ત્રાંસો) કહે છે કે એટલે તો ધાર્મિક સ્થળો અને યાત્રાધામો ગુજરાતીઓથી સતત ઊભરાતાં હોય છે ? આખું જીવન ખોટું કરી કરીને ભેગી કરેલી સંપત્તિ, પહેલાં સંતાનને, પછી ભગવાનને અને એ પછી ડોક્ટરોને આપવામાં ગુજરાતીને કોઈ તકલીફ પડતી નથી.
ગુજરાતી માટે દરેક વ્યક્તિ એક પાર્ટી છે અને ગુજરાતી જીવનને ‘પાર્ટી’ની જેમ વીતાવવામાં માને છે.
જ્યાં જ્યાં જીવતો ગુજરાતી, તેની જિંદગી આનંદથી છલકાતી.
તુલસીપત્રઃ
અમેરિકાની શોધ કરનાર કોલંબસ ગુજરાતી હતો, એટલે તો વગર વિઝાએ અમેરિકા પહોંચી ગયેલો.
(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 982034475, સી-3, સૂરસાગર ટાવર, સત્તાધાર, કલાસાગર મોલની સામે, સોલા રોડ, અમદાવાદ 380061, ફોન (જમીન સાથે જોડાયેલો- 079-27493724)
ગુજરાતી પ્રજાઃ તસવીર અને એક્સ-રે
No Comments

Previous Post
WHY DOES NRI LOVE MODI?
Next Post
દરિયાપાર શાકાહાર-વિગનનો વર્ષોથી પ્રસાર કરતા ‘વર્લ્ડ વિગન વિઝન’ના સ્થાપક શ્રીમાન એચ.કે. શાહ
Recent Posts
- ખંભાતની ઓળખ એટલે હલવાસન અને સૂતરફેણીઃ અમેરિકામાં તે કેવી રીતે લોકપ્રિય બની? April 14, 2022
- દરિયાપાર શાકાહાર-વિગનનો વર્ષોથી પ્રસાર કરતા ‘વર્લ્ડ વિગન વિઝન’ના સ્થાપક શ્રીમાન એચ.કે. શાહ February 24, 2022
- ગુજરાતી પ્રજાઃ તસવીર અને એક્સ-રે June 21, 2017
- WHY DOES NRI LOVE MODI? January 10, 2016
- અમેરિકામાં વસતા ગુજરાતી કાર્ટૂનિસ્ટ મહેન્દ્ર શાહઃ એક શબ્દચિત્ર September 21, 2015
Categories
- Uncategorized (5)